
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર તથા BMCની અધિકારીઓની ટીમ દ્વારા ભાવનગર એરપોર્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન એરપોર્ટ પરિસરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી અને માળખાકીય પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એરપોર્ટ પરિસરમાંથી પસાર થતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા, આસપાસના વિસ્તારોમાં બિલ્ડિંગોની ઊંચાઈ સંબંધિત એરપોર્ટ એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પ્રક્રિયા તેમજ એરપોર્ટને પીવાના પાણીની લાઈન ઉપલબ્ધ કરાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કમિશનરે સંબંધિત વિભાગોના અધિકારીઓને તમામ પ્રશ્નોનું સમયબદ્ધ અને સંકલિત રીતે નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન તૈયાર કરવા, એરપોર્ટની સુરક્ષા અને નિયમોને ધ્યાનમાં રાખી એનઓસી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પીવાના પાણીની સુવિધા માટે જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળી તેમના અસરકારક ઉકેલ માટે મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ મુલાકાતથી ભાવનગર એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓમાં વધારો થશે તેમજ ભવિષ્યના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA