
- કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કિમી દૂર અને જમીનમાં 20 કિમીની ઉંડાઈએ
અમદાવાદ,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં આજે ગુરુવારે વહેલી સવારે નાના એવા ભૂકંપના આંચકાથી અમદાવાદ શહેરની ધરા ધ્રૂજી ઉઠી હોવાની માહિતી સામે આવી રહી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ અમદાવાદમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનો માહિતી સામે આવતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો છે.
વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, આજે 30 જુલાઈના રોજ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું.
આઈએસઆરના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. જોકે, વહેલી સવારનો સમય અને આસપાસનું વાતાવરણ શાંત હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 2.6ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે, જેના કારણે મોટા ભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી. તેમ છતાં, ભૂકંપ જેવી કુદરતી ઘટનાને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિઓ પર ISR સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને હાલની
મહારાષ્ટ્રના નાસિકમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ
આ ઉપરાંત મળતી માહિતી મુજબ, 15 દિવસ અગાઉ ગત 16મી જુલાઈને ગુરુવારે અષાઢી બીજના કચ્છી લોકોના નવા વર્ષે કચ્છમાં ત્રણ મિનિટમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2:20 વાગ્યે ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો નોંધાયો હતો.બાદ બપોરે 2:23 વાગ્યે કચ્છના ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, ત્યારે આજે અમદાવાદમાં ભૂકંપ આવ્યાના સમાચાર ચર્ચામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ