વરસાદ માટે ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની લોકપરંપરા: જાળિયા ગામે કન્યાઓએ જાળવી રાખી આસ્થાની અનોખી પરંપરા
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ઉમરાળા તાલુકાના જાળિયા ગામે વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે ઉજવાતી ઢૂંઢિયાદેવની લોકપરંપરાનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થા દર્શાવતી આ પરંપરામાં ગામની નાનકડી કન્યાઓએ ઉત્સાહભેર ભ
ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની લોકપરંપરા


ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ઉમરાળા તાલુકાના જાળિયા ગામે વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે ઉજવાતી ઢૂંઢિયાદેવની લોકપરંપરાનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થા દર્શાવતી આ પરંપરામાં ગામની નાનકડી કન્યાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માટીમાંથી ઢૂંઢિયાદેવનું નિર્માણ કરી તેને પાટલા પર બેસાડીને માથે ધારણ કરી કન્યાઓ ગામની શેરીઓમાં ફરી હતી. તેઓ પરંપરાગત લોકગીતો ગાતાં ગાતાં દરેક ઘેર પહોંચતા હતા.

જે ઘેર ઢૂંઢિયાદેવ પહોંચે ત્યાં મહિલાઓ અને પરિવારજનો તેના પર પાણી રેડીને સારા અને સમયસર વરસાદની પ્રાર્થના કરતા હતા. માન્યતા છે કે આ રીતે પ્રકૃતિને પ્રાર્થના કરવાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને વરસાદ વરસાવે છે. કૃષિ આધારિત જીવનશૈલી ધરાવતા ગામડાઓમાં આવી લોકપરંપરાઓ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેના આદર અને સામૂહિક એકતાનું પણ પ્રતીક માનવામાં આવે છે.

હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો છે, જ્યારે કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જાળિયા ગામે ઉજવાયેલી આ લોકપરંપરાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આધુનિક યુગમાં ધીમે ધીમે વિસરાતી આવી સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવાનો પ્રયાસ ગામની કન્યાઓ અને ગ્રામજનોએ કર્યો હતો.

આવી લોકપરંપરાઓ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના સંબંધનું મહત્વ સમજાવે છે. જાળિયા ગામે યોજાયેલું આ આયોજન ગ્રામ્ય જીવનની સંસ્કૃતિ અને સામૂહિક આસ્થાનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande