વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
ગાંધીનગર, 30 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાને પગલે, કૃષિ વિભાગ દ્વારા તમામ ખેડૂતોને પોતાના પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કુદરતી આપત
ફાઈલ ફોટો: ખેતર


ગાંધીનગર, 30 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાને પગલે, કૃષિ વિભાગ દ્વારા તમામ ખેડૂતોને પોતાના પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કુદરતી આપત્તિ સામે સંભવિત નુકસાન ઘટાડવા માટે ખેડૂતોએ હાલના તબક્કે ઊભા પાકમાં પિયત આપવાનું તેમજ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું બંધ રાખવું, ખેતરમાં વધારાનું પાણી ભરાઈ ન રહે તે માટે ડ્રેનેજ-નીંક તાત્કાલિક ખુલ્લી કરી પાણીના સરળ નિકાલની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ સાથે તૈયાર થઈ ગયેલા શાકભાજી કે બાગાયતી પાકોને વહેલી તકે ઉતારીને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા તથા કાપણી કરેલ પાક, અનાજ કે ઘાસચારાને તાડપત્રીથી બરાબર ઢાંકી દેવા અથવા પાકા ગોડાઉન/શેડમાં સુરક્ષિત રાખવા.

ખેડૂતોએ ટ્રેક્ટર, થ્રેશર જેવા કિંમતી ખેત-ઓજારોને નીચાણવાળા વિસ્તારોને બદલે ઊંચાણવાળા અને સલામત સ્થળે પાર્ક કરવા તેમજ પશુઓને નીચાણવાળા ભાગો, નદી-નાળાના કિનારે, મોટા વૃક્ષો, વીજળીના થાંભલા, જર્જરિત દીવાલો કે હોર્ડિંગ્સ નીચે બાંધવા નહીં. જો પૂર કે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય, તો પશુઓને દોરડાથી મુક્ત કરવા જેથી તેઓ સ્વયં ઊંચાણવાળા સ્થળે જઈ શકે, પશુઓ માટે સૂકા ચારા અને પીવાના સ્વચ્છ પાણીનો પૂરતો સ્ટોક અગાઉથી કરી રાખવો.

વીજળીના કડાકા-ભડાકા કે તીવ્ર પવન સમયે ખેતરમાં વૃક્ષો નીચે કે ખુલ્લામાં ઊભા રહેવું નહીં. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થાનિક સરપંચ, તલાટી કે ગ્રામસેવકનો તુરંત સંપર્ક કરવો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande