
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના અમરાપર ગામ નજીક ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરી રોયલ્ટી કે અન્ય કોઈ આધાર પુરાવો વગર ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાની માહિતીના આધારે પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રૂ. 25 લાખના મુદ્દામાલ સાથે બે વાહનો અને બિનઅધિકૃત રેતીનો સટો ઝડપી પાડવામાં આવ્યો હતો.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ ચોરી અને ગેરકાયદે ખનીજ પરિવહન સામે કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ. એન. શેખ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અમરાપર ગામની નદી પાસે ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો હતો.
જ્યાંથી એક ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી મળી આવ્યું હતું. જ્યારે એક લોડરની મદદથી રેતી ભરવાની કામગીરી ચાલી રહી હતી. તપાસ દરમિયાન રોયલ્ટી, મંજૂરીપત્ર અથવા અન્ય આધાર પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો.
પોલીસે ડમ્પર નં. જીએ.-10-એકસ-9681, લોડર નં. જીએ-12-સીએમ-8034 તેમજ બિનઅધિકૃત રેતીના સટા સહિત કુલ અંદાજે રૂ. 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી વાહનો અને રેતીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે તેમના હવાલે કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt