






કચ્છ, 30 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરના ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને વધુ અસરકારક બનાવવા અને પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સશક્ત બનાવવાના હેતુથી યોજાયેલી આ કાર્યશાળામાં, રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ અધ્યક્ષસ્થાને રહી માર્ગદર્શન આપ્યું.
પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ, પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કચ્છે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના અનેક નવા માપદંડો સ્થાપ્યા છે અને હવે આ ગતિને વધુ વેગ આપવા માટે સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે.
તેમણે જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં સતત સંપર્ક જાળવી, લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને સમયસર ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય અને અધિકારીઓ સાથે સુમેળભર્યો અભિગમ અપનાવવામાં આવે તે બાબતે પણ ભાર મૂક્યો હતો. નાગરિકોના સૂચનો અને ફરિયાદો સરળતાથી મળી રહે તે માટે તાલુકા અને જિલ્લા પંચાયત કચેરીઓમાં સૂચનપેટી સ્થાપિત કરવાની પણ તેમણે સલાહ આપી હતી.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીના મજબૂત પાયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની સત્તા, જવાબદારીઓ અને સરકારી યોજનાઓની વિસ્તૃત સમજ સાથે કાર્ય કરવું જોઈએ, જેથી છેવાડાના નાગરિક સુધી વિકાસના લાભો પહોંચી શકે. તેમણે નવતર વિચારો અને લોકભાગીદારીના માધ્યમથી ગ્રામ વિકાસને નવી દિશા આપવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે અને કેશુભાઈ પટેલે પણ પ્રતિનિધિઓને લોકોના વિશ્વાસને જાળવી રાખવા પારદર્શક અને પરિણામલક્ષી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તાલીમ સત્રમાં તજજ્ઞોએ પંચાયતી રાજ વ્યવસ્થામાં ચૂંટાયેલા સભ્યોની ભૂમિકા, ગ્રામ પંચાયત વિકાસ યોજના, ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામસભાનું મહત્વ, પેસા કાયદો તેમજ ઘન કચરા વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો, અધિકારીઓ તથા તાલુકા અને જિલ્લા પંચાયતના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar