
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને અગાઉ અનેક જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઝડપી પાડી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક વર્ષ જૂનો ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે.
ગાંધીનગર રેન્જના DIG વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના આધારે LCB PI એ.એમ. કામળીયાની ટીમ મિલકત સંબંધિત અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહેસાણા રામોસણા ચાર રસ્તા નજીક મળેલી બાતમીના આધારે ટીમે મહેસાણા ગુરુદ્વારા સામેના બ્રિજના છેડે રોડ પરથી યોગેશ ઉર્ફે આરોપી યોગેશ સ/ઓ ગોરધન ચુનીલાલ પઢીયાર, ઉંમર 36, રહે. પાલનપુર,ને ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના મળતિયા સાથે મહેસાણા શહેરમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 મે 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(a) અને 331(4) હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે આરોપીના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ કરતાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેસમાં કિશોર ઉર્ફે કે.કે. કાન્તી લુહાર નામનો અન્ય આરોપી હાલ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR