
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થાય તે માટે મહેસાણામાં આધુનિક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) હબ સ્થાપવાની માંગ લોકસભામાં ઉઠાવવામાં આવી છે. મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલે લોકસભાના નિયમ-377 હેઠળ આ મુદ્દો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, મહેસાણા મહત્વનું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર હોવા છતાં જિલ્લામાં IT ઉદ્યોગોની હાજરી મર્યાદિત છે. જેના કારણે એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તથા શિક્ષિત યુવાનોને રોજગારી માટે અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે.
સાંસદે ગુજરાત સરકારના સહયોગથી મહેસાણામાં આધુનિક IT હબ સ્થાપવાની માંગ કરી છે. આ હબમાં IT પાર્ક, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર, આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન અને નવાચાર સુવિધાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તેમજ IT અને IT આધારિત સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત કરાઈ છે.
સાંસદે જણાવ્યું કે, આ પહેલથી સ્થાનિક યુવાનોને મોટા પાયે રોજગારી મળશે, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને વેગ મળશે તથા ખાનગી રોકાણ આકર્ષાશે. સાથે જ યુવાનોનું સ્થળાંતર ઘટશે અને ઉત્તર ગુજરાતના સંતુલિત વિકાસને નવી દિશા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR