
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) 8મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ટીબી દર્દીઓ માટે સેરા સેનેટરી વેર લિમિટેડ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભારત સરકારના ‘નિક્ષય મિત્ર’ અભિયાન અંતર્ગત કંપનીએ CSR ફંડમાંથી કડી તાલુકાના 120 ટીબી દર્દીઓને સતત 6 માસ સુધી પોષણયુક્ત આહાર કીટ આપવાનો સંકલ્પ કર્યો છે.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. હરેશ પટેલે જણાવ્યું હતું કે, ટીબી સામેની લડાઈમાં નિયમિત દવા સાથે પોષણયુક્ત આહાર પણ મહત્વપૂર્ણ છે. દર્દીઓને યોગ્ય પોષણ મળવાથી સારવાર દરમિયાન તેમની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે અને સારવારનો કોર્સ પૂર્ણ કરવામાં પણ સહયોગ મળે છે.
તેમણે વધુમાં ઉદ્યોગો અને સેવાભાવી સંસ્થાઓને ‘નિક્ષય મિત્ર’ અભિયાન સાથે જોડાવા અપીલ કરી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ પણ ટીબી દર્દીઓ માટે પોષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેરા સેનેટરી વેર લિમિટેડના પ્રતિનિધિઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે આ સહયોગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગે ટીબીના લક્ષણો જણાય તો નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાવવા તેમજ દવાનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR