
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યા છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું કે, આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હાલમાં ભારે વરસાદની ખાસ આગાહી નથી, તેમ છતાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
જિલ્લાના તમામ તાલુકા મથકોએ 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના નંબર 02762-222200 અને 02762-220299 જાહેર કરાયા છે. કોઈપણ બનાવ બને તો નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગના આદેશ અપાયા છે. સ્થાનિક તરવૈયાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જર્જરિત મકાનો, જૂના વૃક્ષો અને હોર્ડિંગ્સથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR