
વડોદરા,30 જુલાઇ (હિ.સ.) વડોદરા શહેરના અમિતનગર નજીક આવેલી નિર્માણાધીન ડીમાર્ટની કન્સ્ટ્રક્શન સાઇટ પર સાઇટ પર કામગીરી દરમિયાન અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં બે શ્રમજીવીઓ દટાઈ ગયા હતા.ત્યાં હાજર અન્ય સ્થાનિક મજૂરોએ જરાય સમય બગાડ્યા વિના જાતે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક કામદારોએ અદ્ભુત સમયસૂચકતા અને હિંમત દર્શાવીને 15 મિનિટનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બંને શ્રમજીવીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
મળતી માહિતી મુજબ, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક માટીની ભેખડ નીચે ધસી પડી હતી, જેમાં એક પુરુષ અને એક મહિલા શ્રમજીવી દટાયા હતા. આ દુર્ઘટનાને પગલે સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક મજૂરોએ ભારે જહેમત બાદ સૌથી પહેલાં પુરુષ શ્રમજીવીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લગભગ 15 મિનિટના દિલધડક રેસ્ક્યુ પછી ભેખડમાં દટાયેલી મહિલાને પણ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનામાં મહિલાના પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે માહિતી આપતાં ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, અમને અમિતનગર પાસે ખાનગી સાઇટ પર ભેખડ ધસી હોવાનો કોલ મળતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચતા માલૂમ પડ્યું હતું કેસ્થાનિક મજૂરોએ જાતે જ રેસ્ક્યુ કરી બંને વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી દીધા હતા. આ મામલે અમે આગળની કાર્યવાહી માટે પોલીસને પણ જાણ કરી દીધી હતી.ઉલ્લેખનીય છે કે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ