
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાંથી બે વર્ષ પહેલાં ગુમ થયેલા એક યુવાનના પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શરૂઆતમાં ગુમ થયાનો કેસ ગણાતો આ બનાવ હવે પ્રેમપ્રકરણમાં થયેલી હત્યામાં ફેરવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવાનની હત્યા કરી મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ઊંડો ખાડો ખોદી દાટી દીધો હોવાનો પોલીસને શંકા આધારીત ખુલાસો થયો છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક જીગ્નેશ ધર્મેશભાઈ માવદીયાની પત્ની પૃથ્વી માવદીયાને નિલેશ મનસુખભાઈ કછેટીયા સાથે પ્રેમસંબંધ હતો. બંનેએ મળીને જીગ્નેશને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેના ભાગરૂપે જીગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવી પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હત્યા બાદ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં લઈ જઈ અંદાજે 12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદી જમીનમાં દાટી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર ઘટના બાદ પૃથ્વી માવદીયા સતત પરિવારજનોને એવું કહેતી રહી હતી કે તેનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો છે અને જ્યાં તે નોકરી કરે છે ત્યાં કંપનીમાં મોબાઇલ ફોન રાખવાની કે વાત કરવાની મંજૂરી નથી. આ રીતે તેણે લગભગ બે વર્ષ સુધી પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા.
દરમિયાન મૃતકના ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયાએ પોતાના ભાઈનો સંપર્ક કરાવવા આગ્રહ રાખતા અને પોલીસ સમક્ષ જવાની વાત કરતાં પત્ની ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાનો ભેદ ખુલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપીઓના જણાવ્યા મુજબ દરેડ વિસ્તારમાં દર્શાવેલા સ્થળે ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં ખોદકામ શરૂ કર્યું છે. જમીનમાંથી માનવ અવશેષો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેની વૈજ્ઞાનિક તપાસ બાદ વધુ પુરાવા એકત્ર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt