
અમદાવાદ, 30 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં વહેલી સવારે જમાલપુર બ્રિજ નીચે છરી બતાવી સિંગતેલના ડબ્બાની લૂંટની ઘટના સામે આવી.
નારોલ વિસ્તારમાં રહેતા પ્રીતેશ રાણા અને તેમનો ભાઈ ધ્રુવિલ 29 જુલાઈના રોજ સવારે બોલેરો પીકઅપ ગાડીમાં કરિયાણું અને તેલના ડબ્બા ભરીને ચાંદખેડા જઈ રહ્યા હતા. સવારે 5 વાગ્યાની આસપાસ જમાલપુર બ્રિજ નીચે શાકભાજીની ગાડીઓના કારણે ટ્રાફિક જામ હતો.
આ દરમિયાન બે અજાણ્યા શખસોએ ગાડીના પાછળના ભાગે ચડીને તેલના ડબ્બા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.બંને ભાઈઓએ તેમને રોકવાનો પ્રયત્ન કરતા, એક શખસે છરી બતાવીને 15 લિટરના ગુલાબ સીંગતેલના બે ડબ્બાની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.
આ મામલે પ્રીતેશભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ