
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગર દ્વારા અસરગ્રસ્ત માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહારને ફરીથી સરળ અને સુરક્ષિત બનાવવાનો છે.
વિભાગની ટીમ દ્વારા વલ્લભીપુર તાલુકાના રાજપરા–જાળીયા માર્ગ તેમજ શિહોર તાલુકાના ખોડીયાર–જાળીયા–ભડલી–રબારીકા માર્ગ પર વરસાદના કારણે પડેલા ખાડાઓ અને નુકસાનગ્રસ્ત ભાગોનું વેટ મિક્સ પદ્ધતિથી સમારકામ કરવામાં આવ્યું છે. આ પદ્ધતિ દ્વારા માર્ગને ઝડપી અને ટકાઉ રીતે ઉપયોગલાયક બનાવવામાં આવી રહ્યો છે, જેથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ દરમિયાન માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જ્યાં માર્ગોને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે, ત્યાં તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ જરૂરિયાત મુજબ પેચવર્ક અને માર્ગ સમારકામની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને માર્ગ પર કોઈ જોખમી સ્થિતિ નજરે પડે તો સંબંધિત તંત્રને જાણ કરે. વિભાગનો પ્રયાસ છે કે જિલ્લાના તમામ મુખ્ય અને આંતરિક માર્ગો વહેલી તકે સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે સુલભ બને અને લોકોને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA