સખી મંડળોને ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવા ,રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ‘માર્કેટિંગ સપોર્ટ યોજના'નો પ્રારંભ
ગાંધીનગર, 30 જુલાઈ (હિ.સ.) : રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સખી મંડળોની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉમદા આશયથી ગુજરાત લાઈવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ‘માર્કેટિંગ સપોર્ટ યોજના’નો પ્રારંભ કરવામ
'ઓસમ સખી મંડળ'ના પ્રમુખ રેખાબેન ગિરિશભાઈ પેઠાણી


'ઓસમ સખી મંડળ'ના પ્રમુખ રેખાબેન ગિરિશભાઈ પેઠાણી


ગાંધીનગર, 30 જુલાઈ (હિ.સ.) : રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સખી મંડળોની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉમદા આશયથી ગુજરાત લાઈવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ‘માર્કેટિંગ સપોર્ટ યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષ 2026-27 દરમિયાન સખી મંડળોના ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડવા માટે આ યોજના હેઠળ રૂ. 25 કરોડની આર્થિક સહાય કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ અમલી બનેલી આ યોજનાથી ગ્રામીણ મહિલાઓના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ વધશે અને તેઓ સીધી ગ્લોબલ માર્કેટ સાથે જોડાશે.

અત્યાર સુધી સ્વ-સહાય જૂથો દ્વારા બનાવાતી વસ્તુઓનું વેચાણ માત્ર સ્થાનિક મેળાઓ કે પ્રદર્શનો પૂરતું સીમિત હતું. પરંતુ નવી યોજના હેઠળ મહિલાઓને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવા, જરૂરી નિયમનકારી પ્રક્રિયાઓ માટે વિશેષ નાણાકીય સહાય અપાશે.

જે અંતર્ગત:

GST નોંધણી માટે: રૂ. ૧૫ હજાર સુધી

FSSAI લાઈસન્સ માટે: રૂ. ૧૦ હજાર સુધી

PAN કાર્ડ રજીસ્ટ્રેશન માટે: રૂ. ૨ હજાર સુધી

ઓનલાઈન પ્રોત્સાહન: દરેક ઓર્ડર દીઠ રૂ. ૨૦ લેખે પ્રતિ સખી મંડળ લાઈફટાઈમ રૂ. ૫ લાખ સુધીની સહાય મળશે.

સરકારના આ પગલાથી ગામડાની બહેનો ઘરે બેઠા કમાણી કરી 'લખપતિ દીદી' બની શકશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી તાકાત મળશે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના 'ઓસમ સખી મંડળ'ના પ્રમુખ રેખાબેન ગિરિશભાઈ પેઠાણીની, સફળતાની ગાથા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. વર્ષ ૨૦૧૬માં સ્વ-સહાય જૂથ સાથે જોડાયા બાદ તેમણે RSETIમાંથી ફૂડ પ્રોસેસિંગની તાલીમ મેળવી પરંપરાગત મસાલા ઉદ્યોગ શરૂ કર્યો હતો. રૂ. ૧.૫ લાખની બેંક લોન મેળવી યુનિટનો વિસ્તાર કરી તેમણે અન્ય સ્થાનિક મહિલાઓને પણ તાલીમ અને રોજગારી આપી હતી. આજે તેમના આ મસાલા યુનિટની વાર્ષિક આવક રૂ. ૧૦.૯૬ લાખને પાર પહોંચી ગઈ છે. સરકારની નવી ઈ-કોમર્સ યોજનાથી રેખાબેન જેવા અનેક સખી મંડળોને હવે પોતાના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વેચવાની નવી તક સાંપડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande