સુરતના કારીગરે ભંગારમાંથી તૈયાર કરી મિની મેટ્રો, ₹200ના પતરામાંથી સર્જી અદ્ભુત કૃતિ
સુરત, 30 જુલાઈ (હિ.સ.) સુરતના ઓટો-રિક્ષા વેલ્ડિંગ કારીગર સાકિર અબ્દુલ ગનીએ પોતાની સર્જનાત્મકતા અને કારીગરીથી ભંગારમાંથી મિની મેટ્રોનું આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. માત્ર ₹200માં ખરીદેલા જૂના ફ્રિજના પતરાનો ઉપયોગ કરીને તેમણે અઢી મહિનાની મહેનત બ
Surat


સુરત, 30 જુલાઈ (હિ.સ.) સુરતના ઓટો-રિક્ષા વેલ્ડિંગ કારીગર સાકિર અબ્દુલ ગનીએ પોતાની સર્જનાત્મકતા અને કારીગરીથી ભંગારમાંથી મિની મેટ્રોનું આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. માત્ર ₹200માં ખરીદેલા જૂના ફ્રિજના પતરાનો ઉપયોગ કરીને તેમણે અઢી મહિનાની મહેનત બાદ આ મોડલ બનાવ્યું છે. સુરત મેટ્રોના મૂળ ડિઝાઇનને આધારે તૈયાર કરાયેલા આ મોડલમાં લાઇટિંગ, એસી ફેન, એલાર્મ, ઓટો-સ્ટોપ સહિત અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સાકિર છેલ્લા 18થી વધુ વર્ષોથી ભંગાર અને નકામી વસ્તુઓમાંથી નવીન કૃતિઓ બનાવવાનો શોખ ધરાવે છે. સુરત મેટ્રોનું સત્તાવાર મોડલ જાહેર થયા બાદ તેમણે તેનો ફોટો જોઈને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને ત્યારબાદ દરેક નાની-મોટી વિગતોને ધ્યાનમાં રાખીને મેટ્રોનું મોડલ તૈયાર કર્યું. મોડલમાં ટ્રેનના અસલી રંગો ઉપરાંત હેન્ડબ્રેક, ઇન્ટિરિયર, જમ્પર્સ અને ચંપલના સોલમાંથી બનાવેલા ટાયર જેવી અનોખી કારીગરી પણ જોવા મળે છે.

સાકિરની આ કૃતિ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેમના ઘરે મોડલ જોવા લોકોની ભીડ ઉમટી રહી છે. સાકિરનું કહેવું છે કે લોકો તેમને 'કાલનો સુપરસ્ટાર' કહીને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે તેમનો આગામી પ્રોજેક્ટ અઠવા પોલીસ સ્ટેશનની જીપનું મોડલ બનાવવાનો છે, જેને તેઓ તૈયાર કર્યા બાદ પોલીસ વિભાગને ભેટ સ્વરૂપે અર્પણ કરવા માંગે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande