વડોદરા માંજલપુરની પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન
- ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:કોંગ્રેસ કાર્યકરના કપડા ફાડી નાખ્યા વડોદરા,30 જુલાઇ (હિ.સ.) વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં 2.19 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકા
વડોદરા માંજલપુરની પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન


- ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:કોંગ્રેસ કાર્યકરના કપડા ફાડી નાખ્યા

વડોદરા,30 જુલાઇ (હિ.સ.) વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં 2.19 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ 260 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે મતગણતરી 3 ઓગસ્ટે હાથ ધરાશે.

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન નોંધાયું હતું.આ બેઠક પર કુલ 2.19 લાખથી વધુ મતદાર (1.11 લાખ પુરુષ અને 1.07 લાખ મહિલા) નોંધાયેલા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપે સતીષ પટેલ તો કોંગ્રેસે ભીખા રબારીને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યાં છે.

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વહેલી સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે બાદ ભાજપના આગેવાનો શેરીઓમાં ખેસ અને ઢોલ નગારા સાથે ખુલ્લેઆમ પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ તો ભાજપના આગેવાનો વસાહતોમાં જઈને દારૂ અને પૈસા આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જેને લઈ માંજલપુર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે.

કોંગ્રેસના આગેવાનોએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યાં છે. ભાજપના આગેવાનો મતદાનના દિવસે પણ ખેસ સાથે ખુલ્લેઆમ પ્રચાર કરતા હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યો છે. આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ સાથે કોંગ્રેસ આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપ સામે કાર્યવાહી કરતું નથી. ઢોલ નગારા સાથે ભાજપના ધારાસભ્યો-આગેવાનો માંજલપુરમાં ફરી રહ્યા છે.કલેક્ટરને વીડિયો મોકલ્યા છતા પોલીસની કાર્યવાહી થઈ નથી.જ્યારે બપોરના સમયે પંચશીલ વિધાલય ખાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી. કોંગ્રેસના કાર્યકરને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. એ સાથે જ એક કોંગ્રેસના કાર્યકરના તો કપડા ફાડી નાખવામાં આવ્યા હતા.આ સમગ્ર મુદ્દે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે ઘર્ષણ અંગેની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ટોળા વિખેરી હાલ શાંતિમય માહોલ છે, જ્યાં ઘટના બની ત્યાં સીસીટીવી પણ હતા તેના આધારે તપાસ હાથ ધરવામાં આવશે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વડોદરા શહેરની અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર કુલ 60.48% મતદાન નોંધાયું હતું. ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની 1 લાખ કરતા વધુ લીડથી જીત થઇ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande