

- આપના વિજેતા સભ્યના નિધન બાદ યોજાયેલી બિલોઠી બેઠકની પેટાચૂંટણીમાં 80.40% મતદાન નોંધાયું હતું.
ભરૂચ, 30 જુલાઈ (હિ.સ.) નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. મતગણતરીના અંતે આપના ઉમેદવાર પ્રવીણ વસાવાને 2371 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1565 મત મળતા તેમનો 806 મતોથી કારમો પરાજય થયો છે. જોકે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર ન હોવા છતાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકજૂથ થઈને કરેલી ભારે મહેનતના જોરે આ સીટ પર જીતનો પરચમ લહેરાવ્યો છે, જેને જનતાનો ભાજપ સરકાર સામેનો ભારે આક્રોશ માનવામાં આવી રહ્યો છે.
આ ભવ્ય જીત બાદ નર્મદા જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે પૈસા, દારૂ, સાંસદો અને ધારાસભ્યો સહિત સમગ્ર પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો હતો. આપના કાર્યકર્તાઓને ડરાવવા-ધમકાવવા અને ખોટા કેસોમાં ફસાવવાના ષડયંત્રો રચાયા હોવા છતાં બિલોઠીની જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે.આ જીત તો માત્ર શરુઆત અને સેમીફાઇનલ છે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતા આ જ રીતે ભાજપનો સંપૂર્ણ સફાયો કરીને પરિવર્તન લાવશે.
મામલતદાર કચેરીએથી જીતની ઉજવણી કરવા ભેગા થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં ઝાડું લઈને સફાઈ કરતા કરતા આગળ સરઘસમાં જોડાયા હતા.ખરેખર ભાજપને જનતાએ જાકારો આપ્યો અને આપ પાર્ટીએ કોઈ લોભ લાલચ નહી આપી હોવા છતાં મત મતદારોએ આપ્યા છે અને જીત અપાવી એ ભાજપા પક્ષ માટે મનોમંથન કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ