
સુરત, 30 જુલાઈ (હિ.સ.) : ઓરલ ડિહાઈડ્રેશન સોલ્યુશન અને સ્તનપાન (બ્રેસ્ટ ફીડિંગ)ના મહત્વને ઉજાગર કરવા, લોકોને તેના વિશે જાગૃત કરવા દર વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહને ORS અને ઓગસ્ટ મહિના પ્રથમ સપ્તાહને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે બાળ મૃત્યુદર ઘટાડવા માટે નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના માર્ગદર્શનમાં નવી સિવિલના બાળરોગ વિભાગ તથા ઈન્ડીયન પીડિયાટ્રીક એસો., સ્ટુડન્ટ નર્સિસ એસો.ના સંયુકત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે જીવનરક્ષક જળ (ઓ.આર.એસ) અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ નર્સિંગ વિદ્યાર્થીઓના પોસ્ટર એક્ઝિબિશનને મહાનુભાવોના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત પિડીયાટ્રિક્સ એસો.ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પ્રફુલ બાંભરોલીયાએ જણાવ્યું હતું કે, ORS અને સ્તનપાન એ છ મહિના સુધીના બાળકો માટે અમૃત સમાન છે. છ મહિનાથી નાના બાળકોમાં ઝાડા-ઉલ્ટી થાય તો બાળકના શરીરમાંથી પાણી, જરૂરી ખનીજ દ્રવ્ય, સોડિયમ પોટેશિયમ ઝાડા વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેથી બાળકોને ડિહાઈડ્રેશન થવાનું જોખમ વધી જાય છે, અને બાળમૃત્યુ પણ થવાની શક્યતા વધે છે. આવા સમયે ઓ.આર.એસ. પીવડાવવાથી ડિહાઈડ્રેશનની ગંભીર સમસ્યા નિવારી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, એક ચપટી મીઠું, એક મુઠ્ઠી ખાંડ, એક ગ્લાસ પાણી અને લીંબુનો રસ એ અતિ ઉત્તમ પ્રયોગ અને ડિહાઈડ્રેશન સામે ઘરેલું રક્ષાકવચ છે. નવજાત શિશુના સર્વાંગી વિકાસ અને આરોગ્ય માટે માતાનું દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે બાળકના જન્મ પછી છ મહિના સુધી બાળકના આહારની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બાળકના જન્મ સમયે અપાતી જન્મ ગુટ્ટી અને મધએ બાળક માટે જોખમકારક છે, જેથી જન્મના એક કલાકમાં જ બાળકને માતાનું દુધ આપવું અનિર્વાય છે.
ધ ઓલ ઇન્ડિયા ટ્રેઈન્ડ નર્સીસ એસો.(ગુજરાત)ના સેક્રેટરી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ઓરલ ડિહાઈડ્રેશન સોલ્યુશન અને સ્તનપાન(બ્રેસ્ટ ફીડિંગ)નું મહત્વ સમજાવવાનું કામ દેશભરના નર્સિંગના વિદ્યાર્થીઓ કરે છે. આરોગ્યલક્ષી શિક્ષણ સમાજ સુધી પહોંચાડવામાં તબીબો સાથે નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ કડી સમાન છે. આરોગ્ય ક્ષેત્રે નર્સ એ પરિશ્રમ અને ઉમદા સેવાનું પ્રતીક છે. ઉત્કૃષ્ટ તબીબી સારવાર સાથે સમકાલીન ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને કરૂણામય નર્સિંગ થકી સમાજના આરોગ્ય સુખાકારીમાં સકારાત્મક સુધાર કરવાના ઉદ્દેશથી દરેક પરિસ્થિતિમાં પોતાની સેવાપૂર્તિમાં નર્સિંગ સ્ટાફ સમર્પિત હોય છે એમ જણાવી આજના કાર્યક્રમ થકી જનજન સુધી જાગૃત્તિ સંદેશ પહોંચે અને માતા-બાળકના મુત્યુદર ઘટે તેમજ તંદુરસ્ત સમાજનું નિર્માણ થયા એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
નર્સિંગ વિદ્યાર્થીઓએ ઓઆરએસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણીના અવસરે જન-જાગૃતિનું નુક્કડ નાટક ભજવ્યું હતું. નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટરોમાંથી સૌથી શ્રેષ્ટ પોસ્ટર બનાવનારને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરમ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત પીડિયાટ્રિક ચેરીટેબલ ટ્રસ્ટના પુર્વ પ્રમુખ ડો.પ્રશાંત કારિયા, નર્સિંગ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ સ્મિતલબેન ચૌધરી, ડીઆઈસીના ડો.સંદેશ મહિપાલ અને ડો.હર્ષિતા, નર્સિગ કોલેજના પ્રોફેસરો ડો.સંગીતા ત્રિવેદી, પ્રો.સોનલબેન પંડયા અને અમર મુલ્લા સહિત તબીબો, હેડનર્સ, સ્ટાફનર્સ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે