
નવસારી, 31 જુલાઈ (હિ.સ.) : નવસારી જિલ્લામાં હાલમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એન. લીખીયાએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કરાયેલા હુકમ અનુસાર નવસારી જિલ્લામાં આવેલ દાંડી બીચ, ઉભરાટ બીચ, ઓંજલ બીચ તેમજ સી-ફેસ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ દરિયાકિનારે ફરવા જવું કે દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહીં. ભારે વરસાદ, ઊંચા મોજાં અને દરિયાની જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હુકમમાંથી માત્ર સરકારી ફરજ અથવા સરકારી કામગીરીમાં રોકાયેલા સરકારી તથા અર્ધસરકારી કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે.
આ પ્રતિબંધનો અમલ તાત્કાલિક અસરથી આગામી તા. 06 ઓગસ્ટ- 2026ના રોજ 24:00 કલાક સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે