
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) : ભાવનગરની સર. ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગ અને વહીવટી ક્ષતિઓને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. સમીક્ષા બેઠક દરમિયાન હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા અને દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું રેગિંગ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં.
બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સર. ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો સંભાળતા ડૉ. અશોક વાળાને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ડૉ. કેરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડૉ. અમિત પરમારને પણ તેમના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઓર્થોપેડિક વિભાગમાં 11 માસના કરાર પર સેવા આપતા પ્રોફેસર ડૉ. પિનાકીન વોરાની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. જ્યારે PMSSY બિલ્ડિંગના નોડલ ઓફિસર ડૉ. સમીર શાહને પણ તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહીથી સર. ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં વહીવટી જવાબદારી, પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે રાજ્ય સરકારના કડક અભિગમનો સ્પષ્ટ સંદેશ ગયો છે. સાથે જ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA