


- રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે 17મા સ્થાપના દિન અને 6ઠ્ઠા દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ, ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડૉ. બળવંત જાની, ડૉ. અતુલ કોઠારી, રાષ્ટ્રીય સચિવ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી સહિત વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સહિત વિવિધ કાઉન્સિલના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાપના દિન નિમિત્તે યોજાયેલી નરેન્દ્ર મોદી ઇન્સ્પિરેશનલ લેક્ચર સીરિઝ – 'યજ્ઞ વ્યાખ્યાનમાળા'ના ચોથા મણકા અંતર્ગત ડૉ. અતુલ કોઠારી, રાષ્ટ્રીય સચિવ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી દ્વારા 'પંચકોષ આધારિત ભારતીય શિક્ષણ' વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ભારતીય પરંપરા અને પ્રાચીન ઋષિમુનિઓના વિઝનને સાકાર કરવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી જેવી અનોખી સંસ્થાઓની સ્થાપના કરી હતી. ઋષિઓએ જંગલો અને પર્વતોમાં તપસ્યા કરીને જે વિચાર આપ્યો હતો કે, 'ભાવાત્મક અને સંસ્કારી બાળક જ રાષ્ટ્રનો સાચો નિર્માતા બની શકે', તે જ વિચારસરણી આ યુનિવર્સિટીનું મૂળ આધારબિંદુ છે.
તેમણે શતપથ બ્રાહ્મણ ગ્રંથનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બાળકના જીવનમાં ત્રણ મુખ્ય ગુરુઓ હોય છે — માતા, પિતા અને શિક્ષક. જે બાળકને જિંતેન્દ્રિય, પરોપકારી, ધર્માત્મા અને વિદ્વાન માતા-પિતા તથા ગુરુ પ્રાપ્ત થાય છે, તે બાળક ધન્ય બની જાય છે. આ ત્રણેય પાસે બાળકને યોગ્ય દિશા આપવાની અભૂતપૂર્વ ક્ષમતા છે.
આધુનિક યુગમાં વધતી ભૌતિકતા અને દેખાડાની સંસ્કૃતિ પર ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે લોકો પ્રાઇવેટ લાઇફ અને પબ્લિક લાઇફ ના નામે બેવડું જીવન જીવી રહ્યા છે. જે વ્યક્તિનું અંગત જીવન કે આચરણ યોગ્ય ન હોય, તે સમાજને સાચો માર્ગ બતાવી શકતો નથી. ભારતીય સંસ્કૃતિમાં મન, વચન અને કર્મની એકરૂપતાનો સિદ્ધાંત રહ્યો છે.
પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલએ આહવાન કર્યું હતું કે, તમે સામાન્ય યુનિવર્સિટીના નહીં પરંતુ માનવ નિર્માણના સંસ્કારી વિઝનવાળી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો. તમારી પાસેથી સમાજ અને રાષ્ટ્રને ઘણી મોટી અપેક્ષાઓ છે. અહીંથી મેળવેલા મૂલ્યો, પરોપકાર અને માનવતાના મિશનને સમગ્ર જીવન દરમિયાન એક રાષ્ટ્રીય મિશન તરીકે આગળ ધપાવજો.
આ પ્રસંગે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોષીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ અત્યાર સુધી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હાલ યુનિવર્સિટીમાં ૧૨૫થી વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે અને ૫૩થી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત, અધ્યાપકો અને સંશોધકો દ્વારા ૫૫૦થી વધુ સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા છે તેમજ 100થી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કુલાધિપતિ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગીજુભાઈ બધેકા ચેરનો વાર્ષિક અહેવાલ અને નુતન શૈક્ષણિક પાઠ્યક્રમોનું પ્રસ્તુતિકરણ તેમજ 14 જેટલા પુસ્તકો, સગર્ભા માતાઓ માટે તપોવન હિન્દી કલેન્ડર અને 'ડિવાઈન ચાઈલ્ડ' એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ગિજુભાઈ બધેકા એવોર્ડ હેઠળ શ્રેષ્ઠ બાલગુરુ તરીકે લિંબાની નીતાબેન અને શ્રેષ્ઠ બાલવાટિકા માટે શ્રી જૈન બાલમંદિર ટ્રસ્ટ, પાલનપુર, વિદ્યામંદિરને ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે કુલગુરુ ડૉ. ટી.એસ.જોષીની પ્રેરણાથી, બાળક્ષેત્રે સંશોધન અને રમકડાંઓને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ બાલકેન્દ્રીત રિસર્ચ એવોર્ડ અને શ્રેષ્ઠ ટોય અને ટીએલએમ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. જે સંદર્ભે શ્રેષ્ઠ બાળકેન્દ્રીત રિસર્ચ એવોર્ડમાં સોશિયલ સાયન્સમાં બેસ્ટ બાળકેન્દ્રિત રિસર્ચ એવોર્ડમાં પ્રથમ નિક્કી મોદી, દ્વિતીય ક્રમે ડૉ. રૂચા દેસાઈ અને ત્રીજા ક્રમે ઓનિમા દપ્કે અને ડૉ. ક્રિષ્ના ઠક્કરને એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સાયન્સ વિષયમાં પ્રથમ ક્રમે પાયલ તેજસ રત્નેશ્વરને બેસ્ટ ચાઈલ્ડ સેન્ટ્રિક એવોર્ડ ઈન સાયન્સનો એવોર્ડ એનાયત કરાયો હતો.
તદુપરાંત વિશિષ્ટ ક્ષમતા ધરાવતી 3 બાળ પ્રતિભાઓનું રાજ્યપાલશ્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રબર ગર્લ ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા અન્વી જંજરૂકિયા, ચક્રફેંકમાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ જીતનાર નિર્મલ દેસાઈ અને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ 3 વખત સર કરનાર નિક્ષા બારોટને સન્માનિત કરાયા હતા. સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રે નવીનતા લાવવા માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સહયોગી સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારો પણ કરવામાં આવ્યા હતા.
કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તમામ સ્નાતકોને પદવીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ Ph.D.ની ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સર્વાંગી બાળવિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે વિશિષ્ટ પ્રતિભા ડૉ. ઈંદુમતિ કાટદરે તથા ડૉ. જ્યોતિબેન થાનકીને રાજ્યપાલના હસ્તે માનદ ડોક્ટર ઓફ લેટર્સની પદવી પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા એનજે ગ્રૂપના સહયોગથી આયોજિત અંડર-11 એથ્લેટિક્સ મીટ તેમજ ફિડે રેટેડ ચેસ ટુર્નામેન્ટ, ડૉ. અબ્દુલ કલામ ઈન્નોવેટિવ સ્કૂલના બાળકો સહિત યુનિવર્સિટીના પઝલ લેબ, સ્વદેશી રમકડાં સહિતના સ્ટોલ્સની પણ મુલાકાત લઈ મા. રાજ્યપાલએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. એનજે ગ્રૂપ દ્વારા અંડર-11 એથ્લેટિક્સના વિજેતાઓને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ બનાવવા માટે તમામ ખર્ચ સહિતની રાશિ તેમજ જરૂરી સહયોગ પૂરો પાડવા માટે જણાવવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના કુલસચિવ પ્રો. (ડો.) સંજય ગુપ્તા દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ