
નવસારી, 31 જુલાઈ (હિ.સ.) નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના હટવાડા ફળિયા વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર પડેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં ટેમ્પો આવતાં તેમાં સવાર કુલ 10 લોકોને કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને તાત્કાલિક સેવા ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનામાં ગણદેવા ગામના નહેર ફળિયાના રહેવાસી કલ્પેશ અરુણ હળપતિ (25), નિતિન વિનોદ હળપતિ (35) અને જિગર નિતિન હળપતિ (23)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ગણદેવીની ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંના એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને વીજ વિભાગ પણ ઘટનાની તપાસમાં જોડાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે