


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા તેના ‘Empowering Youth’ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ મેરીઝ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્ય આધારિત વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ટ્રેનર્સ સીએ બિરાજ કોટેચા અને હાર્દિક મોનાણીએ વિદ્યાર્થીઓને ગોલ સેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ, અસરકારક સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સતત આત્મવિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
સરળ અને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સફળ જીવન માટે જરૂરી લાઈફ સ્કીલ્સ સમજાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક તાલીમમાં ભાગ લઈ ટ્રેનર્સ સાથે સક્રિય સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં જેસીઆઈ પોરબંદર પ્લસના પ્રમુખ પ્રતિક લાખાણી તેમજ સભ્યો અભિ મજીઠિયા અને મિલન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા, પોતાની ક્ષમતાઓ વિકસાવવા અને જવાબદાર નાગરિક તરીકે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રતિક લાખાણીએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશિપ, ગોલ સેટિંગ અને ટાઈમ મેનેજમેન્ટ જેવી જીવન કૌશલ્યોનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે જણાવ્યું હતું કે જેસીઆઈ પોરબંદર પ્લસ આગામી સમયમાં પણ વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ‘Empowering Youth’ પ્રોજેક્ટ અંતર્ગત વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ વિકાસ અને કૌશલ્યવર્ધક તાલીમ કાર્યક્રમો યોજશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકે.
કાર્યક્રમના અંતે શાળાના સંચાલક મંડળ અને શિક્ષકોએ આ તાલીમની પ્રશંસા કરી હતી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya