
સુરત, 31 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં સતત વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ ભરતી પ્રક્રિયા હેઠળ યોજાનારી વધુ બે લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 2 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી લેબોરેટરી ટેક્નિશિયન અને ગ્રેડ-3 ક્લાર્ક (ઓડિટ)ની પરીક્ષા હવે નવી તારીખ જાહેર થયા બાદ લેવામાં આવશે.
મહાનગરપાલિકાના રિક્રૂટમેન્ટ વિભાગે જણાવ્યું કે આ બંને પદોની ભરતી માટે માર્ચ 2026માં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ઉમેદવારો માટે ઓનલાઈન કોલ લેટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જોકે ભારે વરસાદને કારણે શહેરમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને ઉમેદવારોની સલામતીને ધ્યાનમાં રાખીને પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકાએ ઉમેદવારોને પરીક્ષાની નવી તારીખ અને અન્ય સૂચનાઓ માટે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટના Recruitment Dashboard પર નિયમિત નજર રાખવા અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે વિવિધ સરકારી કાર્યક્રમો અને ભરતી પ્રક્રિયાઓમાં ફેરફાર થઈ રહ્યા છે, ત્યારે આ નિર્ણય પણ એ જ પરિસ્થિતિને અનુરૂપ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે