
- બીજા નંબરની હેરણ નદી બે કાંઠે, રાજવાસણાનો રબર ડેમ ઓવરફ્લો.
વડોદરા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં વરસ્યો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સાગબારા અને ગરુડેશ્વરમાં સૌથી વધુ 118 મિમી (4.65 ઇંચ) વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રાજ્યભરમાં વહેલી સવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વસોમાં 2 કલાકમાં 5 ઇંચ, બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા 3 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં માર્ગો પર નદીઓ જેવા પ્રવાહ વહેતા થયા છે. વડોદરા, ભરૂચ, ખેડા અને છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેના લીધે રાજવાસણાનો રબર ડેમ ગરકાવ થયો છે.
સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ ઘેરાયું છે. કતારગામ, સૂર્યપુર ગરનાળા અને પોદાર આર્કેડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કતારગામમાં ખુલ્લી ગટર અને એસએમસી કર્મચારીઓની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.
બાલાસિનોરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ, બજારમાં નદી વહી.એકસાથે ચાર સિસ્ટમ સક્રિય, અત્યંત ભારે વરસાદની આગાહી. હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.
આજે 31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ