
ગીર સોમનાથ, 31 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન સંભાળતા તંત્ર સફળતા સેલની જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આકસ્મિક મુલાકાત કરી હતી.
જિલ્લા કલેક્ટરએ ભારે વરસાદની પરિસ્થિતિ ઉભી થાય એવી સ્થિતિમાં તાલુકા કક્ષાની ૨૪×૭ કંટ્રોલ રૂમની કામગીરી, નિયંત્રણ કક્ષાએ નિભાવવામાં આવતા વિવિધ રજીસ્ટરો, આપત્તિ પ્રતિસાદ માટે ઉપલબ્ધ માનવબળ અને સંસાધનો, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન (DDMP) મુજબની તૈયારીઓ, સ્ટાફની ડ્યૂટી વ્યવસ્થા, સંચાર વ્યવસ્થા તેમજ વરસાદ સંબંધિત પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.આ મુલાકાતમાં તેમણે તાલુકા કક્ષાના લો લાઇન એરિયા, હાઇ રિસ્ક પોપ્યુલેશન, ઉપલબ્ધ રાહત અને બચાવ સંસાધનો, આપદા મિત્રોની ઉપલબ્ધતા અને તેમની તૈનાતી અંગેની વિગતો જાણીએ તંત્રને સજાગ રહેવા માટે સૂચના આપી હતી. આ સાથે આપત્તિના સમયે સંચાર વ્યવસ્થા સુનિશ્ચિત રહે તે માટે સેટેલાઈટ ફોનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરએ ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે તાલુકા કક્ષાએ ૨૪×૭ કંટ્રોલ રૂમ સંપૂર્ણ કાર્યરત રાખવા, તમામ માહિતીનું સમયસર અહેવાલીકરણ કરવા, ઉપલબ્ધ સંસાધનોને હંમેશા કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા તેમજ સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયત, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક તથા અન્ય સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્ક અને સંકલન જાળવી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો, જળભરાવ, માર્ગ અવરોધ, નદી-નાળાની સ્થિતિ સહિતની માહિતી નિયમિત રીતે મેળવી જરૂરી સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરની આ મુલાકાત સમયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ