ભારે વરસાદની આગાહીને અનુલક્ષી પાણીના ધોધ કે બીચ નજીક ન જવા વેરાવળના નાગરિકોને અપીલ કરવામાં આવી
ગીર સોમનાથ, 31 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદની આગાહીને અનુલક્ષી સુરક્ષાને ધ્યાને રાખી વેરાવળ તાલુકાના નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. વીજળીના થાંભલાથી, ઝાડ, હોર્ડિંગથી દૂર રહેવું તથા ત્યાં કોઈ વાહનો પાર્ક
ભારે વરસાદની આગાહીને અનુલક્ષી પાણીના ધોધ કે બીચ નજીક ન જવા વેરાવળના નાગરિકોને અપીલ કરવામાં આવી


ગીર સોમનાથ, 31 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદની આગાહીને અનુલક્ષી સુરક્ષાને ધ્યાને રાખી વેરાવળ તાલુકાના નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

વીજળીના થાંભલાથી, ઝાડ, હોર્ડિંગથી દૂર રહેવું તથા ત્યાં કોઈ વાહનો પાર્ક કરવા નહીં તેમજ રોજબરોજની અગત્યની વસ્તુઓ જેવી કે દવા, થોડા કપડા, સૂકો નાસ્તો, કિંમતી દાગીનાં, દસ્તાવેજો, પ્રમાણપત્રો જેવી અતિ અગત્યની વસ્તુઓ એક થેલામાં તૈયાર રાખવાં જેથી સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગી બની શકે.

કોઈ અનિચ્છનીય ઘટના બને તો વેરાવળ મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (02876)-244299 નંબર પર સંપર્ક કરવો.

ટોર્ચ ચાર્જ કરવી તેમજ મીણબત્તી, માચીસ જેવી વસ્તુઓ હાથવગી રાખવી અને ભારે વરસાદની સ્થિતિમાં શક્ય બને ત્યાં સુધી એકલા રહેવાનું કે ફરવાનું ટાળવું અને સમૂહમાં રહેવું.

પશુઓને બાંધી રાખવા નહીં અને ડેમ, નદી કે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ હોય તેમણે સત્વરે સલામત સ્થળે ખસી જવું તથા વરસાદ કે પુરની પરિસ્થિતિ વખતે હેઠવાસનાં વિસ્તારમાં અવર-જવર કરવી નહીં.

વરસાદના સમયે મુશ્કેલીભરી સ્થિતિમાં સરપંચ, તલાટી કમ મંત્રી, નગરપાલિકા કચેરી, મહાનગરપાલિકા કચેરી અથવા તમારી પાસે જ કોઈ સરકારી કચેરીનાં કે તે કચેરીનાં કોઈપણ કર્મચારી કે અધિકારીનાં સંપર્ક નંબર હોય તેને પ્રથમ જાણ કરવી.

જે મહિલાઓને પ્રેગનન્સીની ડ્યૂ ડેઈટ નજીક હોય તેમને શક્ય બને તો હોસ્પીટલ ખસેડી લેવા અને તેની જાણકારી તંત્રને કરી આપવી, જો તેઓ સત્વરે હોસ્પીટલ જવા માંગતા નાં હોય તો પણ ગામે તલાટી કે સરપંચને આ જાણ કરવી જોઈએ જેથી તાકીદનાં સમયે મદદ પહોંચાડવા માટે ઉપયોગી બને.

અફવાઓ ઉપર ધ્યાન ન આપવુ અને કોઈપણ બાબત સોશ્યિલ મીડિયા ઉપર જાણવા મળે તો તેની સાતત્યતા ચકાસો અને જો કોઈ કથિત માહિતીના કારણે લોકોમાં ગભરાટ ઉત્પન્ન થાય તો તેવી માહિતી શેર કરવાનું ટાળવું.

જર્જરીત મકાનો, ઇમલાઓ, દિવાલો, વીજળીનાં થાંભલાઓ, પવનચક્કી, હોર્ડિંગ્સ વગેરે જોખમી વસ્તુઓથી દૂર રહેવું. પાણીનાં કોઈ ધોધ કે બીચ નજીક જવું નહીં, આ સમયગાળામાં પ્રવાસ ટાળવો અને વરસાદ અને વાતાવરણની જાણકારી મળી રહે તે માટે 'સચેત' એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી સતત અપડેટેડ રહી વિગતો મેળવતા રહેવા તાલુકા વિકાસ અધિકારી રાજેશ.એમ. ટિલાવત એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande