
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સરળતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાહજિકતાનું વધુ એક દ્રષ્ટાંત શુક્રવારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં જોવા મળ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના વિવિધ જિલ્લાઓના ગામોમાં રાત્રિરોકાણ, ગ્રામસભા, અંત્યોદયના ઘરે ભોજન અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે ગ્રામીણ ખેડૂતો સાથે સંવાદ અને ખેતરોની મુલાકાતો દરમિયાન પોતાની સરળતા માટે લોકપ્રિય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના પ્રવાસો દરમિયાન ગામોમાં સામાન્ય માણસો સાથે અચાનક મુલાકાત, બાળકોને શાળામાં જઈને મળવું જેવી સાહજિકતા માટે મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની છબી લોક માનસમાં ધરાવે છે.રાજ્યપાલ અને મુખ્યમંત્રીની આવી જ સાદગી અને સરળતા વધુ એક વાર જોવા મળી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સ્વર્ણિમ સંકુલ-1ના સાબરમતી કક્ષમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાતે આવવાનું સહજ આમંત્રણ આપતાં રાજ્યપાલએ તેનો સરળતાપૂર્વક સ્વિકાર કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો કાર્યક્રમ પૂર્ણ થતા સ્વર્ણિમ સંકુલ-1માં ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચેરીની મૂલાકાતે પહોંચ્યા હતાં. મુખ્યમંત્રીએ તેમને શાલ ઓઢાડીને તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન-આવકાર આપ્યો હતો.
આ અનૌપચારિક મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વચ્ચે લોકકલ્યાણના વિવિધ વિષયો પર સહજ સંવાદ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ