
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના પ્રભાવને પગલે 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તથા તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ભાવનગર જિલ્લાને 'ઓરેન્જ એલર્ટ' હેઠળ મૂક્યો છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારે વરસાદ દરમિયાન રાહત અને બચાવ કામગીરી, આવશ્યક સેવાઓની સતત ઉપલબ્ધતા તેમજ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ 24×7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી તેમને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા, બચાવ સાધનો તૈયાર રાખવા તેમજ જરૂરી ટીમોને સ્ટેન્ડબાય રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, અધિક કલેક્ટર ડી.એન. સતાની સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાઈ વરસાદી પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી આયોજનની સમીક્ષા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA