ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલેક્ટરના જાહેરનામા અનુસાર આજે તા. 31 જુલાઈ, 2
Ai ફોટો


ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલેક્ટરના જાહેરનામા અનુસાર આજે તા. 31 જુલાઈ, 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓના આવન-જાવનમાં કોઈ મુશ્કેલી કે જોખમ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વસાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

જોકે, આ રજાનો અમલ માત્ર વિદ્યાર્થીઓ માટે રહેશે. તમામ શાળા-કોલેજોના આચાર્યો, શિક્ષકો તેમજ શિક્ષણેતર કર્મચારીઓએ નિયમિત સમયસર પોતાની ફરજ પર હાજર રહી જરૂરી વહીવટી અને કચેરી સંબંધિત કામગીરી બજાવવાની રહેશે. શિક્ષણ વિભાગને પણ આ નિર્ણયનો કડક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે વાલીઓ અને નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહે તેમજ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. તેમણે હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ વરસાદી માહોલ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande