
જુનાગઢ,31 જુલાઈ (હિ.સ.) ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌઘરી અને જિલ્લા વિકાસ અઘિકારી જયંતસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને પોતાના પશુઓની સુરક્ષા માટે જરૂરી સાવચેતીઓ રાખવાની અપીલ કરવામાં આવી છે.કુદરતી આફત દરમિયાન સમયસરની સાવચેતી પશુઓના જાનમાલના નુકસાનને અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂર અથવા ભારે વરસાદની સ્થિતિમાં પશુઓને તરત જ ઊંચા અને સુરક્ષિત સ્થળે ખસેડવા જોઈએ. પશુઓને પીવા માટે માત્ર સ્વચ્છ અને શુદ્ધ પાણી આપવું તેમજ ભીનો, સડી ગયેલો કે વરસાદમાં પલળેલો ચારો ખવડાવવાનું ટાળવું જોઈએ.
વરસાદી વાતાવરણ દરમિયાન પશુઓના રહેઠાણને સ્વચ્છ અને સૂકું રાખવું, પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી તેમજ મચ્છર, સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી પશુઓનું રક્ષણ કરવું જરૂરી છે. બીમાર, ઈજાગ્રસ્ત અથવા નબળા પશુઓને અન્ય પશુઓથી અલગ રાખી તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.
પશુઓમાં તાવ, ઝાડા, ખોરાક ન લેવો, લંગડાપણું અથવા અન્ય કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના પશુ દવાખાનાનો અથવા પશુચિકિત્સકનો સંપર્ક કરવા વિભાગે અનુરોધ કર્યો છે. આપત્તિની સ્થિતિમાં પશુપાલકો 1962 એનિમલ હેલ્પલાઇનનો પણ ઉપયોગ કરી શકે છે.
ઉપરાંત પશુપાલકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપતાં જણાવ્યું છે કે પૂર કે મુશળધાર વરસાદ દરમિયાન પશુઓને ખીલે બાંધી રાખવા નહીં. આવી સ્થિતિમાં બંધાયેલા પશુઓ પોતાનો જીવ બચાવી શકતા નથી, જ્યારે તેમને મુક્ત રાખવાથી તેઓ સુરક્ષિત સ્થળે જઈ શકે છે અને જાનહાનિ ટાળી શકાય છે.
પશુપાલન વિભાગે તમામ પશુપાલકોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને આપત્તિ સમયે સતર્ક રહી પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ