
જુનાગઢ,31 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ, તા.૩૧, રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ખેતી તથા બાગાયતી પાકોને નુકસાનથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખાસ પાક સંરક્ષણ માર્ગદર્શિકા (Agro Advisory) જાહેર કરવામાં આવી છે.
વરસાદી પાણી ભરાવાને કારણે પાકમાં ફૂગ, કીટકો અને મૂળ કોહવાટ જેવા રોગચાળાનું જોખમ વધતું હોવાથી કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને નીચે મુજબના તાકીદના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
• ૧. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવો:
ખેતરો કે વાડીઓમાં ભરાઈ રહેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવો. પાણી ભરાઈ રહેવાથી પાકના મૂળ સડી જવાની અને છોડ પીળા પડીને સૂકાઈ જવાની શક્યતા રહે છે.
• ૨. લણણી કરેલ પાકની સુરક્ષા:
ખેતરમાં કાપણી/લણણી કરીને રાખેલ પાક, અનાજ કે બાગાયતી ઉપજને ભેજ અને વરસાદથી બચાવવા માટે તાત્કાલિક સુરક્ષિત ગોડાઉન, શેડ કે તાળપત્રીથી ઢાંકીને વિલંબ વગર ખસેડી લેવો.
• ૩. ફૂગનાશક અને કીટનાશકનો છંટકાવ ક્યારે કરવો:
વરસાદ સંપૂર્ણપણે બંધ થાય અને ખેતરમાં વરાપ (હવામાન ખૂલે) નીકળે ત્યારબાદ જ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ ફૂગનાશક અને કીટનાશક દવાનો છંટકાવ કરવો. ચાલુ વરસાદે કે ભેજવાળા વાતાવરણમાં છંટકાવ કરવાનું ટાળવું.
• ૪. બાગાયતી પિતા અને વૃક્ષોની સંભાળ:
ફળઝાડ કે કિંમતી બાગાયતી પાકો જો વાવાઝોડાને કારણે નમી ગયા હોય તો તેને ટેકો આપીને સીધા કરવા અને મૂળ પાસે માટી પૂરીને જમીન સરખી કરવી.
ઉપરોક્ત જણાવેલ પાક સંરક્ષણના પગલાં કે દવાના છંટકાવ અંગેની વધુ માહિતી મેળવવા માટે ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારી કૃષિ અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
૫. કૃષિ હેલ્પલાઇન / કિસાન કૉલ સેન્ટર:
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ