મુન્દ્રામાં અદાણી પાવર સામે કર્મચારીઓનો અસંતોષ સપાટી પર, કલેક્ટર સમક્ષ રજૂઆતથી ઉદ્યોગવર્તુળોમાં ચર્ચા તેજ
કચ્છ, 31 જુલાઈ (હિ.સ.) મુન્દ્રા સ્થિત અદાણી પાવર પ્લાન્ટમાં કાર્યરત કર્મચારીઓનો લાંબા સમયથી દબાયેલો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા અદાણી પાવર (મુન્દ્રા) કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીની કર્મચા
કલેક્ટરને આવેદન અપાયું


કલેક્ટરને આવેદન apaayu


કચ્છ, 31 જુલાઈ (હિ.સ.) મુન્દ્રા સ્થિત અદાણી પાવર પ્લાન્ટમાં કાર્યરત કર્મચારીઓનો લાંબા સમયથી દબાયેલો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા અદાણી પાવર (મુન્દ્રા) કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીની કર્મચારી નીતિ અને વહીવટી કામગીરી અંગે અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે. આ રજૂઆત બાદ સમગ્ર મામલો ઉદ્યોગવર્તુળો તેમજ કર્મચારી સંગઠનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કર્મચારી સંઘના જણાવ્યા મુજબ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી કર્મચારીઓની સરખામણીએ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પરિણામે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓમાં અસંતોષ અને અસુરક્ષાની લાગણી વધી રહી છે. સંઘનો દાવો છે કે આઉટસોર્સિંગની પ્રક્રિયાના કારણે કાયમી કર્મચારીઓ પર વધારાનો કાર્યબોજ આવી રહ્યો છે, જેના કારણે તેમની કામગીરી અને માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે.

રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાંબા સમયથી ફરજ બજાવતા અનેક કર્મચારીઓને હજી સુધી યોગ્ય ગ્રેડ, પ્રમોશન કે વેતનવધારાનો લાભ મળ્યો નથી. વર્ષો સુધી એક જ હોદ્દા પર સેવા આપતા કર્મચારીઓ પોતાની કારકિર્દીમાં કોઈ પ્રગતિ ન થતા નિરાશાનો અનુભવ કરી રહ્યા હોવાનું સંઘે જણાવ્યું છે.

કર્મચારી સંઘે વધુમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં કાર્યરત કેટલાક કર્મચારીઓની અન્ય રાજ્યોમાં બદલી કરવામાં આવી રહી છે. આવી બદલીઓના કારણે કર્મચારીઓના પારિવારિક જીવન, બાળકોના શિક્ષણ અને સામાજિક જવાબદારીઓ પર નકારાત્મક અસર પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ સ્થિતિ કર્મચારીઓમાં ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા વધારી રહી હોવાનું પણ સંઘનું માનવું છે.

સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ પ્રશ્નો અગાઉ પણ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અસરકારક ઉકેલ મળ્યો ન હોવાથી હવે જિલ્લા વહીવટીતંત્રના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કર્મચારીઓને ન્યાય મળે અને તેમની વ્યાજબી માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ કાયદાકીય અને લોકશાહી માર્ગે વધુ વ્યાપક આંદોલન શરૂ કરવા મજબૂર બનશે. હવે જિલ્લા વહીવટીતંત્ર અને કંપનીનું મેનેજમેન્ટ આ રજૂઆત પર શું વલણ અપનાવે છે અને કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કયા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande