
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) રાજ્યના પ્રસિદ્ધ તરણેતર મેળા-2026 અંતર્ગત યોજાનારી પશુ હરીફાઈ અને પ્રદર્શનમાં ભાવનગર જિલ્લાના ઉત્તમ ઓલાદના પશુઓને સ્થાન મળે તે માટે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાંથી ગીર ગાય, ગીર સાંઢ, ગીર વોડકી, જાફરાબાદી ભેંસ, જાફરાબાદી પાડો તેમજ જાફરાબાદી ખડાઈ જેવા શ્રેષ્ઠ પશુઓને પ્રદર્શનમાં લઈ જવા ઇચ્છુક પશુપાલકોએ આગામી ત્રણ દિવસમાં પોતાના નજીકના તાલુકા પશુ દવાખાને સંપર્ક કરવા જણાવાયું છે.
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પશુઓની નોંધણી અને પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા તાલુકા કક્ષાએ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પસંદ કરાયેલા પશુઓને તરણેતર મેળામાં યોજાનારી રાજ્યસ્તરીય પશુ હરીફાઈ અને પ્રદર્શનમાં ભાગ લેવા મોકલવામાં આવશે.
તરણેતર મેળાની પશુ હરીફાઈ પશુપાલકો માટે પોતાની ઉત્તમ ઓલાદના પશુઓનું પ્રદર્શન કરવા તેમજ રાજ્યભરના પશુપાલકો સાથે અનુભવના આદાન-પ્રદાન માટે મહત્વનું મંચ માનવામાં આવે છે. આ હરીફાઈમાં વિજેતા પશુઓને સન્માનિત કરવામાં આવે છે, જેના કારણે પશુપાલકોને પ્રોત્સાહન મળે છે અને દેશી ઓલાદના સંવર્ધનને પણ વેગ મળે છે.
જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સમયમર્યાદામાં પોતાના પશુઓની વિગતો સાથે નજીકના તાલુકા પશુ દવાખાને સંપર્ક કરી નોંધણી કરાવે અને રાજ્યસ્તરીય પશુ હરીફાઈમાં ભાગ લેવાની તકનો લાભ ઉઠાવે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA