
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) જામનગરમાં વર્ષ 2023માં પ્રેમિકાની પાંચ વર્ષની માસૂમ દીકરીની નિર્દયતાપૂર્વક મારકૂટ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી વિરેન જાનકીદાસ રામાવતને આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. કેસની સુનાવણી દરમિયાન તબીબો, પડોશીઓ, મૃતક બાળાની નાની સહિત કુલ 24 સાક્ષીઓના નિવેદનો તેમજ કોલ ડિટેલ સહિત 36 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
કેસની વિગતો મુજબ સરવરી રવિભાઈ પાનસુરીયાને વિરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ હતો. છૂટાછેડા બાદ સરવરીબેન પોતાની પ્રથમ લગ્નજીવનમાં જન્મેલી પાંચ વર્ષની પુત્રી સાથે રહેતી હતી. આરોપી વિરેન બાળકીના કારણે બંનેના સંબંધમાં અવરોધ હોવાનું માની બાળકીને સાથે રાખવાનો વિરોધ કરતો હતો.
22 નવેમ્બર, 2023ના રોજ આરોપી સરવરીબેનના ઘરે પહોંચ્યો હતો અને પાંચ વર્ષની બાળકીને તું મરતી નથી અને અમારો રસ્તો સાફ કરતી નથી તેમ કહી પેટમાં બટકું ભરી વેલણ અને ચમચા જેવા સાધનોથી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને પ્રથમ ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શરૂઆતમાં બાળકી દાદર પરથી પડી હોવાનું જણાવાયું હતું, પરંતુ સારવાર દરમિયાન 25 નવેમ્બરના રોજ બાળકીનું મોત થતાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પોસ્ટમોર્ટમમાં બાળકીના માથા, પેટ સહિત શરીરના 15 જેટલા ભાગોમાં ગંભીર ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું.
કેસની સુનાવણી દરમિયાન મૃતક બાળાની માતાએ પોતાની અગાઉ નોંધાવેલી ફરિયાદથી વિપરીત નિવેદન આપી આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તપાસ અધિકારી દ્વારા એકત્ર કરાયેલા પડોશીઓ, બાળાની નાનીના નિવેદનો, આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલા ફોન કોલ્સની વિગતો તેમજ બંનેને બાળકી સાથે હોસ્પિટલમાં જોયા હોવાના સ્વતંત્ર સાક્ષીના પુરાવાઓને અદાલતે વિશ્વસનીય માની આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
સરકારી વકીલે કેસમાં મજબૂત પુરાવા રજૂ કરતાં અદાલતે વિરેન જાનકીદાસ રામાવતને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt