
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : ક્ષયમુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે કડી સ્થિત સેરા સેનેટરી વેર લિ. દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ સરાહનીય સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. કંપની દ્વારા નિક્ષય મિત્ર બની મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 120 ટીબી દર્દીઓને સતત 6 માસ સુધી પોષણયુક્ત આહાર કીટ આપવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
ટીબી સામેની લડતમાં માત્ર દવાઓ જ નહીં પરંતુ દર્દીઓને પૂરતું પોષણ મળે તે પણ મહત્વપૂર્ણ છે. આ હેતુસર નિક્ષય મિત્ર તરીકે કંપની દ્વારા પસંદ કરાયેલા 120 દર્દીઓને નિયમિતપણે પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવશે. આ પહેલથી દર્દીઓને સારવાર દરમિયાન પોષણ મળી રહે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે મહત્વપૂર્ણ સહયોગ મળશે.
સેરા સેનેટરી વેર લિ.ની આ પહેલ CSR હેઠળ સામાજિક જવાબદારી નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સ્થાનિક સ્તરે ટીબી દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવાથી ક્ષયમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળશે.
નિક્ષય મિત્ર તરીકે શરૂ કરાયેલ આ સેવાયજ્ઞથી ટીબી દર્દીઓમાં સારવાર પ્રત્યેનો વિશ્વાસ વધવા સાથે સમાજમાં ટીબી અંગે જાગૃતિ અને સહકારની ભાવનાને પણ પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR