
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : બેચરાજી તાલુકાના દેલવાડા ગામે ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સાવચેતી અને પ્રતિરોધક કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા દવા છંટકાવની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન ગામના વિવિધ પરિવારોની મુલાકાત લઈ તેમના સભ્યોની તબિયત અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ ઘર અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા, મચ્છરજન્ય જીવાતોથી બચાવ તથા ચાંદીપુરા વાયરસથી સંક્રમણને અટકાવવા માટે જરૂરી સાવચેતી અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે, સ્વચ્છતા જાળવવામાં આવે અને બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દવા છંટકાવ સહિતની કામગીરી સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેથી સંભવિત જોખમને સમયસર નિયંત્રિત કરી શકાય. ગ્રામજનોને પણ આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR