તારંગા હિલ: ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ
મહેસાણા,31 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું તારંગા હિલ ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું પ્રવાસન સ્થળ છે. મહેસાણાથી આશરે 70 કિલોમીટર અને વડનગરથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું તારંગા વર્ષ દરમિયાન મોટી સં
તારંગા હિલ: ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ


મહેસાણા,31 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું તારંગા હિલ ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું પ્રવાસન સ્થળ છે. મહેસાણાથી આશરે 70 કિલોમીટર અને વડનગરથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું તારંગા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે.

તારંગાનું મુખ્ય આકર્ષણ 12મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાલ દ્વારા બનાવવામાં આવેલું અજિતનાથ જૈન મંદિર છે. આ મંદિર આચાર્ય હેમચંદ્રાચાર્યના માર્ગદર્શનથી બનાવાયું હોવાનું માનવામાં આવે છે. તારંગા ખાતે શ્વેતાંબર અને દિગંબર જૈન પરંપરાના અનેક મંદિરો આવેલા છે. જૈન ધર્મમાં તારંગાને મહત્વપૂર્ણ સિદ્ધ ક્ષેત્ર તરીકે પણ માનવામાં આવે છે.

ધાર્મિક મહત્વની સાથે તારંગા પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. ટેકરીઓની આસપાસ ફેલાયેલી હરિયાળી, શાંત વાતાવરણ અને મનમોહક કુદરતી દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તારંગાની ટેકરીઓ લીલીછમ બનતાં અહીંનું સૌંદર્ય વધુ ખીલી ઊઠે છે.

ધાર્મિક યાત્રા, પ્રકૃતિની નજીક સમય પસાર કરવા અને ટ્રેકિંગનો આનંદ માણવા માટે તારંગા ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande