રેડ એલર્ટ વચ્ચે આગામી 24 કલાક સુરક્ષિત સ્થળે રહો: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અપીલ
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું ''રેડ એલર્ટ'' જાહેર કરવામાં આવતા રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શુક્રવારે સુરત જિલ્લા
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવતા રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શુક્રવારે સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તેમને રાહત-બચાવ કામગીરી અને કંટ્રોલ રૂમની કામગીરી અંગે માહિતી આપી હતી.

મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લા કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને આગામી 24 કલાક સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-ખાડીના કિનારે જવાથી દૂર રહેવા અને માત્ર સુરક્ષિત સ્થળે જ રહેવા અપીલ કરી હતી.

નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોના એસોસિએશનોને રજા રાખવા સૂચના આપી છે. અગાઉ પાણી ભરાયેલા વિસ્તારો તથા વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને પીવાનું પાણી, દૂધ અને જરૂરી ચીજવસ્તુઓનો 24 કલાકનો જથ્થો રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન અને પોલીસ સહિત તમામ વિભાગો રાહત અને બચાવ કામગીરીમાં સતત કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રીઓ, પ્રાંત કચેરીઓ અને ઝોનલ ટીમો પણ સતત કામગીરી કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરતાં તેમણે કહ્યું કે, નાગરિકોએ માત્ર કલેક્ટર કચેરી દ્વારા જાહેર થતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande