
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લઈ પાર્કમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી પાર્કના વિકાસ, પ્રવાસન અને સંરક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બેઠકમાં રાજ્યમંત્રીએ પાર્કમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, માર્ગદર્શન વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા અને અન્ય સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ તથા ઇકો-ટૂરિઝમને વધુ પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પણ સમીક્ષા કરી હતી. તેમણે મુલાકાતીઓને વધુ ગુણવત્તાસભર અને યાદગાર અનુભવ મળે તે માટે જરૂરી સુવિધાઓમાં સતત સુધારા લાવવાના સૂચનો આપ્યા હતા.
રાજ્યમંત્રીએ પાર્કમાં કાર્યરત ગાઈડ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. ગાઈડ દ્વારા પ્રવાસીઓને બ્લેકબક, ખડમોર સહિતના દુર્લભ વન્યજીવો, વિવિધ પક્ષીઓ અને પાર્કની સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા વિશે આપવામાં આવતી માહિતીને તેમણે સરાહનીય ગણાવી હતી. તેમણે ગાઈડોને વધુ અસરકારક રીતે માહિતી પ્રસ્તુત કરવા માટે જરૂરી તાલીમ અને સક્ષમતા વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વન્યજીવ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને ઇકો-ટૂરિઝમના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક રાજ્યની મહત્વપૂર્ણ કુદરતી ધરોહર છે અને તેની સુવિધાઓને વધુ આધુનિક તથા પ્રવાસી-મૈત્રી બનાવવા માટે સરકાર સતત પ્રયાસશીલ છે. બેઠકના અંતે અધિકારીઓ સાથે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે વિચારવિમર્શ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA