


- નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ઘણી વસાહતોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા આવી.
ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : નેત્રંગ ગામ સહિત તાલુકામાં 11 ઈંચથી વધુ ભારે વરસાદને કારણે નવી વસાહત વિસ્તાર, મૌઝા તેમજ અન્ય અમરાવતી અને કિમ નદીમાં ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવ સામે આવ્યા હતા.અમરાવતી અને કિમ નદી એ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે .
નેત્રંગ તાલુકામાં ગત રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
નેત્રંગ મામલતદાર કલ્પેશ ગળિયા, તાલુકા વિકાસ અધિકારી શૈલેષ પટેલ, સરપંચ હરેન્દ્ર દેશમુખ, ટીસીએમ નેત્રંગ અને નેત્રંગ પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી ત્વરિત હાથ ધરી અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો.
નીચાણ વાળા વિસ્તારોમાં જ્યાં રાત્રે ભારે વરસાદ પડે અને પાણી ભરાવાથી નુકશાન થાય તેવા વિસ્તારોમાં મામલતદાર અને ટીડીઓ જાતે જઈ અપીલ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવા કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ