ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ : પોલીસે ટેકનોલોજી થકી 28 દિવસમાં 42 ગુમ બાળકોને શોધી કાઢ્યા
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : આણંદ જિલ્લાના ખંભાતમાં શાળાએ જતી વખતે ગુમ થયેલી ધોરણ 7ની એક વિદ્યાર્થીનીને ગુજરાત પોલીસે ‘વિશ્વાસ ફેઝ-2’ સીસીટીવી નેટવર્ક અને ડિજિટલ સરવેલન્સ સાધનોનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. આ વિદ્યાર્થીની ખંભાતનાં
ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ


ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : આણંદ જિલ્લાના ખંભાતમાં શાળાએ જતી વખતે ગુમ થયેલી ધોરણ 7ની એક વિદ્યાર્થીનીને ગુજરાત પોલીસે ‘વિશ્વાસ ફેઝ-2’ સીસીટીવી નેટવર્ક અને ડિજિટલ સરવેલન્સ સાધનોનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી.

આ વિદ્યાર્થીની ખંભાતનાં ખોડિયાર નગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરેથી ખંભાત નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા જવા માટે નીકળી હતી. જ્યારે તે શાળાએ ન પહોંચી, ત્યારે તેના વર્ગશિક્ષકે વાલીઓને જાણ કરી, જેમણે તાત્કાલિક ખંભાત સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસકર્તાઓએ ‘વિશ્વાસ ફેઝ-2’ સીસીટીવી નેટવર્કના ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને ગણતરીના કલાકોમાં બાળકી સુધી પહોંચી શક્યા અને બાળકીને તેની સાયકલ સાથે શોધી કાઢી. તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.

આ માત્ર એક કિસ્સો નથી. પહેલી જુલાઇથી 28 જુલાઇ દરમિયાન ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં આવા 42 ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ કિસ્સાઓ દર્શાવે છે કે, બાળ સુરક્ષા ક્ષેત્રે ટેકનોલોજી કેવી રીતે એક મહત્વપૂર્ણ સાધન બની રહી છે.

રાજ્યવ્યાપી 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ'ના ભાગરૂપે 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પોલીસે સાયબર ટૂલ્સ, સીસીટીવી એનાલિટિક્સ અને અન્ય ટેકનોલોજીકલ મદદથી 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનનો હેતુ સાયબર સુરક્ષાને મજબૂત કરવાનો અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં મહિલાઓ તથા બાળકોની સુરક્ષા વધારવાનો હતો.

ગુજરાતના સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પોલીસે સાયબર જાગરૂકતા સુધારવા, નિવારક પગલાં મજબૂત કરવા, સાયબર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવા અને સાયબર સ્પેસમાં મહિલાઓ તથા બાળકોના રક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સાયબર ગુનાની તપાસની ગુણવત્તા સુધારવા માટે રાજ્યવ્યાપી 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' શરૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન સાયબર ટૂલ્સ અને વિવિધ ટેકનોલોજીકલ માધ્યમોનો ઉપયોગ કરીને 42 ગુમ થયેલા બાળકોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલવેના પોલીસ મહાનિર્દેશક (DGP) ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનોની સક્રિય ભાગીદારી સાથે સીઆઈડી ક્રાઈમ અને રેલવે દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું.

આ ઓપરેશન ચાર તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું. ગુમ થયેલા બાળકોને શોધવા અને સાયબર તપાસને મજબૂત કરવા ઉપરાંત, આ અભિયાનમાં સાયબર જોખમો વિશે જાહેર જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ સુરક્ષા પદ્ધતિઓ, સાયબર હાઈજીન અને ઈન્ટરનેટના જવાબદાર ઉપયોગ વિશે શિક્ષિત કરવા માટે પોલીસે જાગૃતિ કાર્યક્રમો, આઉટરીચ સેશન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેઈનનું આયોજન કર્યું હતું.

આ પહેલ સાયબર સ્પેસને વધુ સુરક્ષિત બનાવવા સાથે સમગ્ર રાજ્યમાં જાહેર સુરક્ષા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ગુજરાત પોલીસના ભારને રેખાંકિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande