
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.)પોરબંદરની સૂર્યાવાડ મેમણ જમાત (રજી. નં. B-100/જૂનાગઢ) સંબંધી વક્ફ મિલકતો અને વહીવટી વિવાદના કેસમાં ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા મહત્વપૂર્ણ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલએ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના અગાઉના ચૂંટણી અધિકારીની નિમણૂંક સંબંધિત આદેશો રદ કરી વક્ફ અધિનિયમ, 1995ની કલમ-38 હેઠળ વહીવટદાર (Administrator) ની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો છે.
ચુકાદા મુજબ વર્ષ 1993 થી 23 જુલાઈ, 2026 સુધીના તમામ હિસાબી ચોપડાઓ, ઓડિટ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો 7 દિવસમાં વક્ફ બોર્ડસમક્ષ રજૂ કરવા તેમજ સંસ્થાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનો કબ્જો વક્ફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી (CEO)ને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલએ નાણાકીય ગેરરીતિ અને ઉચાપત અંગે મળેલી ફરિયાદોના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ નોંધાવવા ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને નિર્દેશ આપ્યો છે. સાથે જ પેનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા સરકારી ઓડિટર મારફતે 30 દિવસમાં નાણાકીય તપાસ પૂર્ણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ચુકાદામાં અગાઉ કરવામાં આવેલી કેટલીક ટ્રસ્ટીઓની નિમણૂંકોને બંધારણ વિરુદ્ધ ગણાવી રદ કરવામાં આવી છે.
ઉપરાંત વક્ફના બંધારણ મુજબ 60 દિવસની અંદર નવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી વક્ફ અધિનિયમની જોગવાઈ મુજબ, નોંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ માહિતી સંસ્થા તરફથી જાહેર કરાયેલી પ્રેસનોટના આધારે આપવામાં આવી છે. મામલે સંબંધિત અન્ય પક્ષનો અભિપ્રાય પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya