સોશિયલ મીડિયા પર 'રિઝર્વેશન હટાવો આંદોલન'ને વેગ પકડ્યો, ગુજરાતમાં હલચલ મચી
ગાંધીનગર, 31 જુલાઇ (હિ.સ.) : દેશભરમાં જુલાઈ મહિનાના પ્રારંભથી જ સોશિયલ મીડિયા પર ''રિઝર્વેશન હટાવો આંદોલન''ને વેગ પકડ્યો છે. દેશભરમાં આ પેજને અત્યાર સુધીમાં કુલ 5.9 મિલિનય લોકો ફોલો કરી રહ્યા છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર, ક્ષત
સોશિયલ મીડિયા પર 'રિઝર્વેશન હટાવો આંદોલન'ને વેગ પકડ્યો, ગુજરાતમાં હલચલ મચી


ગાંધીનગર, 31 જુલાઇ (હિ.સ.) : દેશભરમાં જુલાઈ મહિનાના પ્રારંભથી જ સોશિયલ મીડિયા પર 'રિઝર્વેશન હટાવો આંદોલન'ને વેગ પકડ્યો છે. દેશભરમાં આ પેજને અત્યાર સુધીમાં કુલ 5.9 મિલિનય લોકો ફોલો કરી રહ્યા છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ કેમ્પેઇનને સમર્થન આપતા કહ્યું કે, અનામત નીતિની 10 વર્ષે સમીક્ષા કરવામાં આવે અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઇએ.

બીજી તરફ આદિવાસી અને ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે, શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રાખવી જોઇએ. અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી. આ સમગ્ર ઝૂંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે.

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અનામત નીતિની સમીક્ષા કરી સુધારા થવા જોઈએ. જે મૂવમેન્ટ ચાલી રહી છે, તે એક વ્યક્તિએ મૂકેલા વિચારથી શરૂ થઈ છે અને તેમાં સમગ્ર ભારતના લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.અનામતમાં જે ખામીઓ છે, કેટલીક કેટેગરીના લોકોને મળતા લાભો અને અત્યાર સુધી મળેલા લાભો સહિત તમામ બાબતો પર વિચાર થવો જોઈએ.

‘આ કેમ્પેઇનમાં રાજકીય હાથ કે દોરીસંચાર છે કે નહીં તે સમય જતાં ખબર પડશે. સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે આર્થિક નબળા વર્ગને ખાસ પ્રાયોરિટી આપવામાં આવે અને કોઈપણ કેટેગરીમાં આવતા યુવાનોને આર્થિક ધારાધોરણ મુજબ અનામત આપવામાં આવે. હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની જરૂર છે.’

'પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અનામતનો લાભ માત્ર આર્થિક કે સામાજિક રીતે ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ મળવો જોઈએ. સરદાર પટેલ ગ્રુપ દ્વારા પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ સુધારાવાદી કેમ્પેઇનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

'સરકારે તજજ્ઞો સાથે મળી નવી નીતિ બનાવવી જોઈએ'

EWS, OBC, SC, ST કે ઓપન કેટેગરી સહિત દરેક વર્ગમાં સરકારે એવી નીતિ બનાવવી જોઈએ જેથી સક્ષમ લોકોને બાદ કરી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી લાભ પહોંચી શકે. 90% કે 95% ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ ન બને તે માટે સરકારે તજજ્ઞો અને અનુભવીઓ સાથે મળીને નવી સુધારેલી વ્યવસ્થા ગઠિત કરવી જોઈએ.

આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં અનામત હટાવવાની જે ઝૂંબેશ ચાલી રહી છે, તેને લઈને અમારું સ્પષ્ટ માનવું છે કે, આદિવાસી સમાજ હજુ પણ મુખ્ય પ્રવાહ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યો નથી. શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રહેવી જોઇએ તે મારું અંગત મંતવ્ય છે.

‘કેટલાક લોકો આર્થિક રીતે સક્ષમ થયા બાદ અનામત છોડવાની વાત કરે છે, પરંતુ અનામતના કારણે હું ભણી શક્યો અને સરકારી નોકરી મેળવી શક્યો. નોકરી કોઈની આજીવન કે પરંપરાગત મિલકત નથી. પાટીદાર, ક્ષત્રિય અથવા અન્ય આર્થિક રીતે સદ્ધર વર્ગો પાસે જમીન, ઉદ્યોગ કે અન્ય સ્થાયી આવકના સાધનો હોય છે, જ્યારે આદિવાસી સમાજ પાસે એવી પરિસ્થિતિ નથી.’

તેમણે આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર ઝૂંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, અનામતની વ્યવસ્થા જાળવી રાખવા માટે જે કંઈ કરવું પડશે અને જેટલો પણ સંઘર્ષ કરવો પડશે તેના માટે તેઓ અને તેમનો સમાજ સંપૂર્ણપણે તૈયાર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande