
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) જામનગર શહેરના મુખ્ય બજારો તથા રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. 10 અને રૂ. 20 ની નાની ચલણી નોટોની તીવ્ર અછત વર્તાઈ રહી છે. બેંક શાખાઓમાંથી પૂરતા પ્રમાણમાં છૂટા પૈસા ન મળવાના કારણે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ ગંભીર અને વ્યવહારિક સમસ્યા અંગે જામનગરના જાગૃત સામાજિક કાર્યકર સચિન નરેન્દ્ર જોશી દ્વારા જામનગરના લીડ બેંક મેનેજર (એસ.બી.આઈ.) અને જિલ્લા સ્તરીય બેંકર્સ સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
શાકભાજી માર્કેટ, કરિયાણા બજાર, લોકલ ટ્રાન્સપોર્ટ (સિટી બસ/ઓટો રિક્ષા), ડેરી, ફ્રૂટના ફેરિયા અને દવાની દુકાનો જેવા દૈનિક વ્યવહારોમાં રૂ. 10 અને 20 ના છૂટા પૈસાના અભાવે ગ્રાહકો અને નાના વેપારીઓ વચ્ચે અવારનવાર બિનજરૂરી ઘર્ષણ અને બોલાચાલીના બનાવો બની રહ્યા છે.
છૂટા પૈસા ન હોવાને કારણે નાના વેપારીઓ અને ફેરિયાઓને ગ્રાહકો ગુમાવવા પડે છે અથવા તો રાઉન્ડ ફિગરમાં રકમ જતી કરીને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વરિષ્ઠ નાગરિકો, શ્રમિક વર્ગ અને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો આજે પણ રોકડ વ્યવહાર પર નિર્ભર છે. અઝખ માંથી માત્ર મોટી નોટો જ નીકળતી હોવાથી આ વર્ગને નાની ખરીદી વખતે છૂટા પૈસા મેળવવામાં ભારે હાલાકી પડે છે.
જામનગર શહેરની તમામ સરકારી અને સહકારી બેંક શાખાઓને કરન્સી ચેસ્ટમાંથી રૂ. 10 અને રૂ. 20 ની નવી નોટોનો પૂરતો જથ્થો ત્વરિત ફાળવવામાં આવે. વેપારીઓ અને સામાન્ય જનતા માટે શહેરના મુખ્ય બેંકિંગ વિસ્તારોમાં સ્પેશિયલ કરન્સી ચેન્જ કેમ્પ યોજવામાં આવે. બેંક કાઉન્ટરો પરથી નાગરિકોને સરળતાથી નાની નોટો મળી રહે તે માટે યોગ્ય દિશાનિર્દેશો જાહેર કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt