
- જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક, 2026 સંસદમાં પસાર, કડક દંડ સહિત અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જાહેર પરીક્ષાઓમાં પેપર લીક તેમજ અન્ય ગેરરીતિઓને રોકવા માટે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક , 2026 સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા રજૂ કરાયેલ આ વિધેયક સંસદમાંથી પસાર થતા, દેશના યુવાનોનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.”
“માનનીય વડાપ્રધાનશ્રી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.”
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ