ભારે વરસાદને લઈ સુરત જિલ્લા તંત્ર એલર્ટ: તમામ તાલુકાઓમાં ક્લાસ-1 અધિકારીઓની ખાસ નિમણૂક, રાહત-બચાવ કામગીરી માટે સુદ્રઢ આયોજન
સુરત, 31 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત આપત્તિની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે હા
ભારે વરસાદને લઈ સુરત જિલ્લા તંત્ર એલર્ટ: તમામ તાલુકાઓમાં ક્લાસ-1 અધિકારીઓની ખાસ નિમણૂક, રાહત-બચાવ કામગીરી માટે સુદ્રઢ આયોજન


સુરત, 31 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત આપત્તિની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે હાથ ધરવા જિલ્લા કલેક્ટરે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સુરત ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં ક્લાસ-1 કક્ષાના અધિકારીઓની વિશેષ નિમણૂક કરી છે.

નિયુક્ત અધિકારીઓ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહી પોતાના વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખશે તેમજ તકેદારી, રાહત અને બચાવ કામગીરીનું સીધું સુપરવિઝન કરશે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી નિમણૂક મુજબ ચોર્યાસી તાલુકા માટે નાયબ કલેક્ટર (સુડા) તૃપ્તિ પટેલ, ઓલપાડ માટે પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, બારડોલી માટે પ્રાંત અધિકારી જે. એન. પરમાર, મહુવા માટે સ્પીપા સુરતના નાયબ કલેક્ટર કૃતિકા એ. વસાવા અને અંબિકા માટે જિલ્લા આયોજન અધિકારી શીતલ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત કામરેજ માટે પ્રાંત અધિકારી વી. કે. પીપળિયા, પલસાણા માટે નાયબ કલેક્ટર પલક ત્રિવેદી, માંડવી માટે માંગરોળના પ્રાંત અધિકારી કૌશિક જાદવ, અરેઠ માટે નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) અંકિત પી. ગોહિલ, માંગરોળ માટે જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ગજેન્દ્ર એ. પટેલ તેમજ ઉમરપાડા માટે જિલ્લા સહકારી મંડળીના નાયબ રજિસ્ટ્રાર હરેશ કાછડને રાહત અને બચાવ કામગીરીના સંચાલન અને મૂલ્યાંકનની જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત કચેરીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સંભવિત ભારે વરસાદ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે સમગ્ર તંત્ર સજ્જ હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande