
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.)પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે નવી કારોબારી સમિતિની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ચેમ્બરના ટ્રસ્ટી નલિન કાનાણીએ જણાવ્યું હતું કે, ચેરિટી કમિશનરના આદેશ મુજબ વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી છે અને તે મુજબ સભ્યોની નામાવલી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. બંધારણની જોગવાઈ મુજબ 30 દિવસની અંદર સામાન્ય સભા બોલાવવાની હોવાથી 29 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે વર્ષ 2026- 27ની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા અંગેનું સર્ક્યુલર 15 દિવસ અગાઉ તમામ સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં મુખ્ય એજન્ડા આગામી બે વર્ષ માટે કારોબારી સમિતિની ચૂંટણી યોજવા ચૂંટણી અધ્યક્ષની નિમણૂક કરવાનો હતો.
સર્વાનુમતે સામાજિક ક્ષેત્રે સક્રિય પરિમલભાઈ જમનાદાસભાઈ ઠકરારની ચૂંટણી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે પરાગભાઈ અને મિતેષભાઈને ચૂંટણી સમિતિના સહસભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.પ્રથમ સામાન્ય સભામાં 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે તેવી માહિતી ટ્રસ્ટી નલિન કાનાણીએ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya