જામનગરના તત્કાલીન નાયબ મામલતદારને લાંચના કેસમાં કુલ 7 વર્ષની સખત કેદની સજા
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં વર્ષ 2014માં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા નોંધાયેલા લાંચના કેસમાં જામનગરની વિશેષ એસીબી અદાલતે મહત્વનો ચુકાદો આપતાં તત્કાલીન નાયબ મામલતદાર મનુભાઈ બળવંતભાઈ ઠાકરને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અલગ-અલગ કલમો હેઠ
ચુકાદો


જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં વર્ષ 2014માં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા નોંધાયેલા લાંચના કેસમાં જામનગરની વિશેષ એસીબી અદાલતે મહત્વનો ચુકાદો આપતાં તત્કાલીન નાયબ મામલતદાર મનુભાઈ બળવંતભાઈ ઠાકરને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવી કુલ સાત વર્ષની સખત કેદ તથા રૂ. 30 હજારના દંડની સજા ફટકારી છે.

આ કેસની હકીકત મુજબ મનુભાઈ બળવંતભાઈ ઠાકર રાજ્ય સરકારના કર્મચારી તરીકે જામનગર કલેક્ટર કચેરીની જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. નવાગામ ઘેડના ફરિયાદી રવજીભાઈ વિરમભાઈ ગોહિલની સર્વે નં. 239/1ની પાંચ વિઘા જમીનની બિનખેતી કરવાની કાર્યવાહી કરી આપવા બદલ આરોપીએ પ્રતિ ચોરસ ફૂટ રૂ.10ના હિસાબે અંદાજે 40 હજાર ચોરસ ફૂટ જમીન માટે રૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી.

બાદમાં રકઝક થતાં રૂ.3.60 લાખમાં સોદો નક્કી થયો હતો. તે પૈકી રૂ.2 લાખ તા.13-01-2014ના રોજ મેળવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.1.60 લાખ તા.18-01 ના રોજ સ્વીકારવાના સમયે જામનગર કલેક્ટર કચેરી ખાતે એસીબીએ ગોઠવેલા ટ્રેપમાં આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

આ બનાવ અંગે જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 તેમજ કલમ 13(1)(ડી) સહપઠિત કલમ 13(2) હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી જામનગરની વિશેષ એસીબી અદાલતના વિશેષ ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ સમક્ષ ચાલી હતી.

સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે કલમ 7 હેઠળ આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા રૂ.15,000ના દંડની સજા ફટકારી હતી. દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(ડી) સહપઠિત કલમ 13(2) હેઠળ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.15,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. આ દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

આમ, બંને કલમો હેઠળ અલગ-અલગ સજા ફટકારાતા આરોપીને કુલ સાત વર્ષની સખત કેદ તથા રૂ.30 હજારના દંડની સજા થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande